ઈ-કોમર્સ કંપની અમેઝોન ઈન્ડિયાએ રવિવારે કહ્યું કે, તે લગભગ 20 હજાર અસ્થાયી કર્મચારીઓની નિયુક્તી કરશે. અમેઝોન ઈન્ડિયા આ નિયુક્તિ પોતાના કસ્ટમર સર્વિસ વિભાગમાં કરશે જેથી ભારત અને વૈશ્વિક સ્તર પર ગ્રાહકોને સારી રીતે ઓનલાઈન શોપિંગની સુવિધા મળી શકે.
ઉલ્લેખનીય છે કે, કંપનીનું અનુમાન છે કે, આગામી 6 મહિનામાં કસ્ટમર ટ્રાફિક ઝડપથી વધશે, જેના માટે તેણે પહેલાથી જ તૈયારી શરૂ કરવી પડશે.અમેઝોન ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ નોકરીઓ હૈદરાબાદ, પૂના, કોયમ્બતૂર, નોએડા, કોલકાતા, જયપુર, ચંદીગઢ, મેંગલોર, ઈન્દોર, ભોપાલ અને લખનઉમાં ઉપલબ્ધ છે.
તેમાંથી મોટાભાગની પોસ્ટ અમેઝોનના વર્ચ્યૂઅલ કસ્ટમર સર્વિસ પ્રોગ્રામ હેઠળ થશે, જેમાં ઘરેથી કામ કરવાની સુવિધા મળી શકે છે.આ પોસ્ટ પર નિયુક્ત વ્યક્તિનું કામ એસોસિએટ સપોર્ટ કસ્ટમર સર્વિસનું હશે, જે ઈ-મેલ, ચેટ, સોશિયલ મીડિયા અને ફોન દ્વારા ગ્રાહકોની મદદ કરે છે. આ પોસ્ટ માટે ન્યૂનત્તમ યોગ્યતા 12 પાસ રહેશે. સાથે અરજીકર્તાને અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલૂગુ અથવા કન્નડ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
અમેઝોન ઈન્ડિયાએ એ પણ જણાવ્યું કે, ઉમેદવારના પરફોર્મેન્સ અને બિઝનેસની જરૂરતને જોતા આ અસ્થાયી પોસ્ટને સ્થાયી પોસ્ટ તરીકે ફેરફાર કરવામાં આવી શકે છે. તેના પર નિર્ણય આ વર્ષના અંતમાં લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પહેલા જ અમેઝોને જાહેરાત કરી હતી કે, વર્ષ 2025 સુધી તે ભારતમાં ટેક્નોલોજી, ઈન્ફાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ નેટવર્કમાં ઈન્વેસ્ટ કરશે, જેના કારણે કુલ 10 લાખ નવા લોકોને નોકરી મળી શકશે. આની હેઠળ અલગ-અલગ ઈન્ડસ્ટ્રીના આધાર પર લોકોને ડાયરેક્ટ-ઈનડાયરેક્ટ નોકરી મળી શકશે.ગત 7 વર્ષમાં જ અમેઝોન દ્વારા ભારતમાં ઈન્વેસ્ટમેન્ટથી 7 લાખ લોકોને નોકરી મળી ચુકી છે. આ વર્ષે મે મહિનામાં અમેઝોન ઈન્ડિયાએ પોતાના વેરહાઉસિંગ અને ડિલિવરી નેટવર્ક માટે 50,000 અસ્થાયી નોકરી આપવાની જાહેરાત કરી હતી.