Home ગુજરાત એક-બે નહિ પરંતુ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના આખા ગોડાઉન પકડાયા!!

એક-બે નહિ પરંતુ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના આખા ગોડાઉન પકડાયા!!

1312
0
આર્ટીકલ શેર કરો:

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય રહ્યાના આપેલા નિવેદન અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનોના પ્રતિ નિવેદન તથા શંકરસિંહ વાઘેલાના ચોંકાવનારા નિવેદનને પગલે – પગલે ગુજરાતની પેટાચૂંટણીઓ તથા તહેવારોને ધ્યાને લઈ રાજ્યના અનુભવી પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ગુજરાતભરમા દારૂના અડ્ડાઓ-ગોડાઉનો પર તૂટી પડવાના આદેશના આજે બીજા દિવસે પણ રાજ્યભરની પોલીસ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી રહી છે. તેવા સમયે અમદાવાદ જિલ્લા પોલીસ વડા આર.વી. અસારી તથા ડીવાયએસપી કે.ટી. કામરીયા દ્વારા બે ડગલા આગળ વધી સાણંદ પંથકના ચાંગોદર ગામે વિદેશી દારૂનુ આખુ ગોડાઉન પકડી ૧૨૦૦થી વધુ બોટલો કબ્જે કરતા ખળભળાટ મચી ગયો છે.

આ બાબતે ડીવાયએસપી કે.ટી. કામરીયાએ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ફતેવાડી કેનાલ પાસે આવેલ ગોડાઉનમાં ચોક્કસ શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા જથ્થામાં રાખી રીપેકીંગ કરી રહ્યાના અહેવાલો સંદર્ભે પી.આઈ. જે.ડી. દેવડા તથા સ્ટાફને સાથે રાખી રેડ કરવામાં આવેલ.

પ્રાથમિક તબક્કે જ ૬ લાખનો દારૂ મળી આવ્યો છે. દારૂ સંદર્ભે મનોહરસિંહ રાઠોડ (રાજસ્થાન), ગૌતમસિંહ રાઠોડ (રાજસ્થાન)ને ઝડપી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી શરૂ થઈ છે. કાર્યવાહીમાં હેડ કોન્સ. છગનભાઈ, ગણેશભાઈ, કનિદૈ લાકિઅ મહીપતસિંહ, મયુરદાન, સરદારસિંહ, પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, પોલીસમેન રણછોડભાઈ, શૈલેષભાઈ અને જીતેન્દ્રભાઈ વિગેરે ટીમ કાર્યવાહીમાં સામેલ થઈ હતી.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

અત્રે યાદ રહે કે ગઈકાલે સુરતમાં ૧૦ ટીમો દ્વારા ઠેર ઠેર દારૂના દરોડાઓ પાડવામાં આવ્યા હતા. મહેસાણામાં પણ મોટી રકમનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા ટીમ દ્વારા દેશી દારૂના અડ્ડાઓનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો છે.

અમદાવાદ છારાનગર કે જ્યાં ઠેર ઠેર દારૂ જ મુખ્ય ધંધો છે તેના પર ડીસીપી નિરજ બડગુજર ટીમ દરરોજ બબ્બે વખત દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમની સૂચનાથી દારૂ અંગેની આ સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ થઈ છે. તેવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા કહે છે કે ગુજરાતમાં દારૂ પ્રવેશતો અને વેંચાતો રોકવા અમારી મુખ્ય પ્રાથમિકતા છે. એક અંદાજ મુજબ ગયા વર્ષે દારૂના દરોડાઓ વખતે દર એક મીનીટે દારૂની એક બોટલ કબ્જે થયાનો અનુભવી પોલીસ અધિકારીઓ દ્વારા અંદાજ કાઢવામાં આવ્યો છે.

31 ડિસેમ્બરે તો ‘ દારૂ ન પીવો’ અને ‘દારૂ પીને ગાડી ન ચલાવવી’ તેવાં બોર્ડ પોલીસ ચોકીઓની આસપાસ જોવાં મળતા હોય છે.

જોકે, અનેક લોકો દારૂબંધીની સરકારની નીતિને વહાલાં-દવલાંની નીતિ ગણાવે છે.

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, સરકારી પરમિટ વગર દારૂ પીનાર અને વેચનાર સામે સરકાર કાયદાકીય પગલાં લઈ શકે છે.

જોકે, આ કાયદો ફકત ગુજરાતીઓને જ લાગુ પડે છે અને અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતાં લોકો એક ખાસ પરવાનાને આધારે ગુજરાતમાં દારૂ ખરીદી શકે છે અને પી પણ શકે છે.

એક તરફ બહારથી આવતાં લોકો છે જેમને પ્રમાણમાં સહેલાઈથી દારૂની પરમિટ મળી શકે છે.

જ્યારે બીજી બાજુ એવા ઘણા ગુજરાતીઓ છે જેમને પરમિટ માટે પણ ‘રેડ-ટેપિઝમ’નો સામનો કરવો પડે છે.

રાજ્ય બહારની વ્યક્તિ, ગુજરાતમાં સક્રિય એવા આશરે 58 જેટલી ‘પરમિટ શોપ’ પરથી દારૂ મેળવી શકે છે.

એક સવાલના જવાબમાં વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 14 જિલ્લામાં 58 જેટલી પરવાનાવાળી લીકર શોપ છે. સૌથી વધુ લીકર શોપ અમદાવાદમાં 13 છે. તો જામનગરમાં 8, વડોદરામાં 7, સુરતમાં 5, ગાંધીનગર અને આણંદમાં 3 લીકર શોપ છે. શરાબની આ દુકાનોમાં વેંચાયેલી શરાબથી રાજ્ય સરકારને 66.47 કરોડની આવક થઈ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે તેમના એક કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું કે, ગુજરાતના ઘર-ઘરમાં દારૂ પીવાય છે. ગહેલોતનું નિવેદન ગુજરાતની ધરતી પર એક બોમ્બની જેમ પડ્યો હતો. તેમના નિવેદન પછી ગુજરાતભરના બીજેપીના નેતાઓ તેમને પાનીચું પકડાવવા માટે નિવેદનો આપી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગહેલોતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતુ. ગહેલોતના નિવેદન પછી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ લડાઇ ચાલું છે. વિજય રૂપાણીના નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં વર્ષ દરમિયાન કેટલા રૂપિયાનો દારૂ વેચાય છે તેના આંકડાઓ રજૂ કર્યા છે. જેથી વિજય રૂપાણીએ અશોક ગહેલોતના નિવેદનને ગુજરાત માટે અપમાનજનક ગણાવ્યા છતાં પણ ગુજરાત સરકાર જ બેકફૂટ પર ધકેલાતી નજરે પડી રહી છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પકડાયેલા દારૂ વિશેની માહિતી આપતા કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટ શાસન, અસમાજિક તત્વોને બેરોકટોક પરવાનાના કારણે ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ જાય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને જવાબદારી કેમ યાદ આવી નહીં. તે ઉપરાંત ગહેલોતના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ગુજરાતીઓ તેમના નિવેદનને યોગ્ય ઠેરવી રહ્યાં છે. આમ રૂપાણી સરકાર રાજ્યમાં થઇ રહેલા દારૂના વેચાણ પર અંકુશ ના રાખી શકવાના કારણે લોકોના નિશાન પર આવી ગઇ છે.

કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકાર નિશાન સાંધતા કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાત કરતી ભાજપ સરકારના રાજમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાઇ રહ્યો છે. ત્યારે શહેર થી લઈને સચિવાલય અને ગામ થી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને હપ્તારાજ ચાલી રહ્યું છે. તે ઉપરાંત કોંગ્રેસ સરકારે બીજેપીને પશ્ન પૂછ્યો છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના ભંગ બદલ સીસીટીવી ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય છે તે ચેકપોસ્ટના સીસીટીવીમાં કેમ દેખાતા નથી ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગુજરાત સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા માહિતી આપી કે, ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ અને બીજી તરફ નશાબંધી કાયદાના અમલમાં નિષ્ફળતા અંગે મુખ્યમંત્રીશ્રીને તેમની જવાબદારી કેમ યાદ ન આવી? તે ઉપરાંત તેમને ગુજરાતમાં પાછલા બે વર્ષમાં પકડાયેલા દારૂના જથ્થા વિશે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી દારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 129,50,463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઈ છે. જેની કિંમત રૂપિયા 2,54,80,82,966 થાય છે. તે ઉપરાંત વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પાછલા બે વર્ષમાં (2018-19માં) પકડાયો છે, જેની કિંમત પણ બે અબજથી વધારે છે. કોંગ્રેસ અનુસાર, રાજ્યમાં દારૂ પકડાય છે તેના કરતા 1000 ગણુ દારૂ અહીં ઠલવાઈ રહ્યો છે.

રાજ્યમાં પાછલા બે વર્ષમાં એટલે કે, 2018-19ના વર્ષ દરમિયાન 1,32,415 દેશી દારૂના કેસો અને 29,989 વિદેશી દારૂના કેસો નોંધાયા છે. આનો અર્થ તે થયો કે, પ્રતિદિવસે ગાંધીના ગુજરાતમાં 181 કેસો તો માત્ર દેશી દારૂના જ નોંધાય છે, જ્યારે વિદેશી દારૂના 41 કેસ પ્રતિદિવસ નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ મહિનાથી વધારે સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર ચાલી રહ્યાં છે.

કોંગ્રેસે બીજેપી ઉપર દારૂની હેરાફેરીને લઇને મોટો આરોપ લગાવતા પોતાની પ્રેસ નોટમાં કહ્યું છે કે, “શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ગુજરાતમાં દારૂબંધીએ માત્ર નાટક છે અને જે અંગે વખતો–વખત લઠ્ઠાકાંડ અને લાખો રૂપિયાના પકડાતા દારૂ તેની ગવાહી છે.”


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here