રાજકીય કડાકાભડાકા સર્જાવાની અટકળો વ્યક્ત થઇ જ રહી છે ત્યારે પાટીદાર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ફરીવખત દિલ્હી પહોંચતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પ્રવેશ માટેની તૈયારીઓને આખરી ઓપ મળવાના સંકેત છે. કોંગ્રેસે તેઓની શરતો સ્વીકારી લીધી હોવાનું અથવા તે માટેની આખરી બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે. શરત મુજબ નરેશ પટેલ કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો હશે જો કે અત્યારે માત્ર ચહેરા તરીકે જ જાહેર કરાશે અને યોગ્ય સમયે મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાશે જ્યારે પ્રશાંત કિશોર ચૂંટણી ઇન્ચાર્જ હશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી સાથે પ્રશાંત કિશોર અને નરેશ પટેલની 4 વાગ્યે બેઠક નિર્ધારિત થઇ છે અને તેમાં આખરી ચર્ચા થવાનું માનવામાં આવી રહ્યું છે. સમાજના આગ્રહથી રાજકારણમાં પ્રવેશવાનું મન બનાવી ચુકેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગઇસાંજે ફરીવખત દિલ્હી પહોંચ્યા હતા. આ પૂર્વે ગત સપ્તાહમાં પણ ચાર દિવસનું દિલ્હી રોકાણ કર્યું હતું. અને કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. કોંગ્રેસમાં પ્રવેશ માટે કેટલીક શરતો રજુ કરી હતી.
આ શરતો સ્વીકારવા વિશે નિર્ણય લેવા માટે પાર્ટી નેતાગીરીએ એક સપ્તાહનો સમય માંગ્યો હતો એટલે હવે ફરીવખત તેઓ દિલ્હી પહોંચતાં કોંગ્રેસ સાથે ફાઈનલ બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એમ કહેવાય છે કે કોંગ્રેસમાં પ્રવેશ કરવા માટે નરેશ પટેલ દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી હતી તેમાં મુખ્ય રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને ચૂંટણી હવાલો સોંપવા તથા પોતાને ચૂંટણી ચહેરો બનાવવાની મુખ્ય હતી. ભાજપ સામે બાથ ભીડવા તથા મતોનું રાજકીય ધ્રુવીકરણ અટકાવવા માટે ગુજરાત ચૂંટણીમાં ઝુકાવનારા આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા પણ નેતાગીરી સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો હતો.
માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે, રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની સલાહ પ્રમાણે જ રાજકીય એન્ટ્રી કે રાજકારણમાં આગળ વધવા વિશે નરેશ પટેલ નિર્ણય લેવાના છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તો કેટલુ સમર્થન મળી શકે તે વિશે પ્રશાંત કિશોરની ટીમો એકાદ મહિનાથી રાજ્યભરમાં સર્વે કરી જ રહી છે. સર્વે હજુ ચાલુ હોવા છતાં વચગાળાના રિપોર્ટમાં માહોલ ઘણો સારો હોવાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. લોકોનો પોઝીટીવ રિસ્પોન્સ હોવાના સંકેત છે. ખોડલધામની રાજકીય કમીટી પણ નરેશ પટેલ માટે સર્વે કરી જ રહી છે.
નરેશ પટેલની ગત સપ્તાહની દિલ્હી મુલાકાત બાદ પ્રશાંત કિશોર સળંગ ચાર દિવસ સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા રાષ્ટ્રીય નેતાઓને મળ્યા હતા તે ઉલ્લેખનીય છે. આ બેઠકનો એજન્ડા ગુજરાત ચૂંટણી તથા પોતાના અને નરેશ પટેલના પ્રવેશનો જ હોવાનું સ્પષ્ટ હતું. એમ કહેવાય છે કે પ્રશાંત કિશોર દ્વારા પેશ કરાયેલા સૂચનોનો કોંગ્રેસ નેતાગીરીએ સ્વીકાર કરી લીધો છે અને તેના આધારે જ હવે વાત આગળ વધી હોય તેમ નરેશ પટેલને દિલ્હી તેડાવવામાં આવ્યા છે. નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશનો નિર્ણય માર્ચના અંતે કરવાનું સૌપ્રથમ વખત જાહેર કર્યું હતું.
ત્યારબાદ એપ્રિલના અંતે એલાન કર્યું હતું. હવે દિલ્હીમાં નિર્ણાયક બેઠકોનો દોર શરુ થયો છે. જ્યારે તેઓ માસાંતે અથવા આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સતાવાર એલાન કરી શકે છે. નરેશ પટેલની ફરી દિલ્હી મુલાકાતથી રાજકીય ગરમી આવવાનું સ્પષ્ટ છે. તમામ રાજકીય પક્ષો ખોડલધામ પ્રમુખને પોતપોતાના પક્ષમાં આવવાની ઓફર કરી ચુક્યાનું ઉલ્લેખનીય છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…